આપણાં વ્યક્તિત્વના નિખાર માટે પણ સખત મહેનત કરવી જ પડે છે. મહેનત એટલે સતત પરીક્ષણ… સતત કાર્યરત રહેવું, સતત વાંચન, કસરત, નિયમ પાલન… હા સતત… બધું જ સતત… આ જ છે સાચી મહેનત. સાચા રસ્તે અને સખત મહેનત કરવાવાળા ક્યારેય પાછા પડતાં નથી. એ હમેશાં સફળતા મેળવે છે. હા, એવું નથી કે તમે મહેનત કરો ને તરત જ ફળ મળી જાય.. ક્યારેક વાર પણ લાગે. પણ મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી. અને જ્યારે મહેનત રંગ લાવે છે ત્યારે આખું વાતાવરણ અવનવા ફૂલોથી આચ્છાદિત બગીચાની જેમ મહેકી ઊઠે છે. અને મનને પ્રફુલ્લિત કરી મૂકે છે. માટે સતત કર્મ કરતાં રહો. એક પક્ષી માળો બાંધવા કેટલી મહેનત કરે છે, અને થોડો અમથો પવન ફૂંકાય ને માળો વેરવિખેર… પણ એ કઈં મહેનત કરવાનું છોડતું નથી. ફરી માળો બનાવવા મહેનત શરૂ કરે છે. બસ એ જ આપણે પણ શીખવાની જરૂર છે. જો એ પક્ષી થઈને મહેનત કરવામાં પાછું નથી પડતું તો આપણે શું કામ?
એન. અંબિકાએ 14 વર્ષની ઉંમરે એક પોલીસવાળા સાથે લગ્ન કર્યા અને 18 વર્ષની ઉંમરે બે બાળકોની માતા બની. એક દિવસે તે પોતાના પતિ સાથે પ્રજાસત્તાક દિવસની પોલીસ પરેડ જોવા પહોંચી. ત્યાં તેણે પોલીસ ઓફિસરને મળતું સન્માન હોયુ અને વિચાર્યું કે હું આ કેવી રીતે મેળવી શકું છું. તેના પતિએ જણાવ્યું કે, આ સન્માન મળવું તેટલું સરળ નથી. તેના માટે આકરી મહેનત કરવી પડે છે. આ વધુ જાણ્યા પછી પણ અંબિકાએ સિવિલ સર્વિસની એન્ટ્રન્સ પરીક્ષા ક્લીયર કરવાનો નિર્ણય લીધો.
આ માટે અંબિકાએ સૌથી પહેલાં ધોરણ 10નો અભ્યાસ કર્યી અને પરીક્ષા પાસ કરી. એ પછી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું પરંતુ તે એક નાના ગામમાં રહેતી હતી અને ત્યાં અભ્યાસ માટે યોગ્ય વ્યવસ્થા નહોતી. અંબિકાના પતિએ પત્ની માટે ચેન્નાઈમાં અભ્યાસ કરવાની ગોઠવણ કરી. તેઓ પોતે નોકરીની સાથે બાળકોની દેખભાળ કરતા. ચેન્નાઈમાં રહીને અંબિકાએ બહુ મહેનત કરી પરંતુ તે બે વખત એક્ઝામ ક્લીયર ના કરી શકી. ત્રીજી વાર પાસ ના થઈ ત્યારે તેના પતિએ પરત આવવાનું કહ્યું.
પરંતુ અંબિકાએ છેલ્લીવાર પ્રયત્નો કરવાની જીદ કરી. તેના મહેનત રંગ લાવી અને તેનું નામ 2008ના IPS લિસ્ટમાં સામેલ થયું. તેનું પ્રથમ પોસ્ટિંગ મહારાષ્ટ્રમાં થયું. 2019માં તેને ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસની સન્માન મળ્યું અને તે લોકમત મહારાષ્ટ્રીયન ઓફ ધ યર અવોર્ડ માટે સિલેક્ટ થઈ. અંબિકાને લોકો લેડી સિંઘમ તરીકે પણ ઓળખે છે.
આ જીવન વિધાતાની આપેલ અમુલ્ય ભેટ છે. જીવન માત્ર જીવવા માટે નહીં પણ માણવા માટે છે. એટલે જીવનને મહેનત દ્વારા મન ઇચ્છિત પામીને માણતા પણ શીખો સંઘર્ષનો સામનો અડગ રહી કરો. મહેનત કરવાનું ટાળશો નહીં.