સમયે સહુને કેદ કરી દીધા છે. હિમાલય તેની સુંદરતા એકલો સાચવીને બેઠો છે.આંબાની કેરીને પથ્થર મારનાર કોઈ નથી.ગોવાનો દરિયાકિનારો શાંત છે. આપણી યાત્રાઓ હવે બેઠક રૂમથી રસોડા કે બેડરૂમ સુધીની સિમિત થઈ ગઈ છે.આવી સ્થિતિમાં ઘરમાં આપણે સહુ કંઈક નવીનતમ કાર્ય તરફ વળીયે.કર્મમય અને ધર્મમય રહીશું તો પરિવાર જીવંત અને પ્રેમાળ લાગશે.અવનવી પ્રવૃતિઓમાં મન પરોવી શકાય.બાળકો સાથે ચિત્રો, પોસ્ટર દોરી શકાય, સવારે જી.કે ની રમત રમાય, એકાદ સ્ટોરી કહેવાય, કાવ્ય,વાર્તા, નવલકથા લાખો. અરે!જે અનુભૂતિ થાય તે લાખો.આ સમય એટલે વૃક્ષો સાથે વાત કરવાનો સમય. તમે થડ બની ડાળખીઓનું જતન કરી શકો.મૂળમાંથી ડાળખી સુંધી જીવંતતા પહોંચાડવાનું કામ થડનું છે.તમારો છાંયડો અનેકને આપી શકો છો. વિચાર થકી,કર્મ થકી, સહાય થકી… મૂલ્યો થકી.પછી જોજો… કેવાં સુંદર ફળ ને ફૂલ તમને મળે છે…એ પછી પરિવાર થકી હોઈ કે સંબંધો થકી. કોરોના વાયરસ કદાચ પરિવર્તનનો પવન હોઈ શકે!મોબાઈલમાં મેસેજ ફોરવર્ડ કરવામાં સમય ન બગાડો… ગુગલ અને યુટ્યુબ પર વિશ્વભરનું સચોટ જ્ઞાન છે. ઉત્તમ એવોર્ડ વિનિંગ ફિલ્મો છે. સુંદર શોર્ટ ફિલ્મો છે. અરે!હસી હસીને થાકી જવાય તેવા નાટકો છે. ગૂગલમાં સર્ચ કરો”ઉત્તમ હિન્દી ફિલ્મો, એવોર્ડ વિનિંગ ફિલ્મો, ગુજરાતી નાટકો… કેટકેટલુય મળી આવશે… પછી યુટ્યુબ પર શોધો.નાના પ્રોજેકટ બનાવો. બાળકો સાથે શિક્ષણ જ નહીં આનંદની પ્રવૃતિઓ કરો.લોકડાઉન ખૂબ વધુ સમય લેશે. પત્નીને રસોડામાં મદદ કરો તો સારું ..પણ ન થઈ શકે તો તેને ખુશ રાખવા બિરદાવતા રહો. પરિવારને જોડી રાખવાની ચાવી છે”ગુસ્સો છોડો, સારું બોલો, સહુને બિરદાવો..ઘરમાં સહુના સંપર્કમાં રહો.અલાયદો રૂમ ના પકડશો.”પુસ્તકો વાંચો. સવાર બપોર અને સાંજ થોડી વાર સમાચાર જોઈ અપડેટ થાવ. ધાર્મિક ઝેર રેડે, માત્ર બેજવાબદાર રિપોર્ટિંગ કરે, જોરજોરથી બોલે તેવા રિપોર્ટર ની સ્ટોરીઓથી દુર રહેજો.અખબાર જરૂર વાંચજો. નવા છોડના કુંડા બનાવો અથવા કુંડાને શણગારો.બેડમિન્ટન,કેરમ સહિતની ઇન્ડોર રમતો રમો.મેં જોયું છે અને વારંવાર માહિતી મળી છે કે અનેક લોકો હવે ભૂખ્યા સુવા લાગ્યા છે. સામાજિક ડર ને કારણે અનેક લોકો તમને આવી અભાવ કે ભૂખ્યા સુવાની વાત નહીં જણાવે. આવા લોકોને ઓળખતા હોઈ તો ફોન કરી માહિતી મેળવો. આપ સધ્ધર હોઈ તો થોડા નાણાં પહોંચાડી સાચો ધર્મ નિભાવો.એક કે બે પગારમાંથી થોડા ભૂખ્યા માટે ખર્ચી નાંખો. શાંતિની ઊંઘ આવશે બાળકો તમારા કાર્યથી સીધા જ સંસ્કાર ગ્રહણ કરશે. અમારા સૃષ્ટિ અને મિશન જ્યોત દ્વારા ગરીબો સુધી સહાય પહોંચાડવામાં આવી રહી છે. તે માટે તમે જો સીધો સંપર્ક ન કરી શકો તો અમને તમારો સહયોગ પહોંચાડશો તો તે જરૂરી વ્યક્તિ સુધી પહોંચાડી શકીશું.સાંજે સુતા પહેલા ઈશ્વરનો આભાર માનો અને વિશ્વ માટે પ્રાર્થના કરો.-શૈલેષ રાઠોડ મો.9825442991