કોરોના વાઇરસના ચેપનું મુખ્ય લક્ષણ તાવ આવવો અને સૂકી ખાંસી થવી છે. આ બંને પર ધ્યાન આપવું જોઈએ.
ગળું બગડવું, માથું દુખવું અને ઝાડા થવા એવાં લક્ષણો પણ કેટલાક કેસોમાં દેખાયાં છે. કેટલાક કેસમાં સ્વાદ જતો રહે અને ગંધ આવતી બંધ થઈ જાય તેવી ચર્ચા પણ ચાલતી રહે છે.
WHOના જણાવ્યા અનુસાર આવાં લક્ષણો દેખાય ત્યારે ઘરમાં જ ભરાઈને રહેવું જોઈએ. માથાનો દુખાવો અને સામાન્ય શરદી જેવાં હળવાં લક્ષણો હોય ત્યારે પણ ઘરે જ રહેવું જોઈએ.
યાદ રાખો 80% કેસમાં Covid-19 ચેપ હળવા પ્રકારનો હોય છે, પણ તમારે બીજા સાથે સંપર્કમાં ના આવવાની કાળજી ખાસ લેવી જોઈએ.
તમને તાવ આવવા લાગે, ખાંસી આવે અને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગે તો મેડિકલ સલાહ લેવી જોઈએ. શ્વાસનળીમાં ચેપના કારણે કે બીજી ગંભીર સ્થિતિને કારણે આવું થયું હોઈ શકે છે.
દવાખાને જતા પહેલાં અગાઉ ફોન પર વાત કરી લો – અત્યારે બધી જ જગ્યાએ સારવાર માટેની મુશ્કેલીઓ છે ત્યારે યોગ્ય કઈ જગ્યાએ જવું તેની જાણકારી પહેલાં મેળવી લેવી જોઈએ.